મહર્ષિ દયાનંદ સરસ્વતી

By Swami Sachchidanand

મહર્ષિ દયાનંદ સરસ્વતી - Swami Sachchidanand
  • Release Date: 2011-01-12
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

હું આર્યસમાજી નથી તોપણ મારા જીવન ઉપર સ્વામી દયાનંદજી તથા આર્યસમાજના ઘણા ઉપકારો છે. મને પ્રાથમિક જીવનમાં આ બન્ને તત્ત્વો મળ્યાં અને હચમચાવી નાખ્યો, ત્યારે મારી ઉંમર 19-20 વર્ષની હતી. સાંસારિક આઘાતથી હું ધર્મ અને અધ્યાત્મ તરફ વળ્યો હતો, ક્યાંય સમાધાન થતું ન હતું. બહુ અશાંત અને વ્યગ્ર રહેતો હતો. તેવામાં એક આર્યસમાજી વૃદ્ધનો ભેટો થયો. તેમણે મને ‘સત્યાર્થપ્રકાશ’ વાંચવા આપ્યો, ગ્રંથ ગમી ગયો. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ બદલાતો ગયો. યુક્તિયુક્ત વિચારોની એટલી પ્રબળતા હતી કે તે મારા ઉપર છવાઈ ગઈ હતી. પછી તો પેલા વૃદ્ધ પુરુષના ત્યાં હું સંધ્યા કરવા અને હવન કરવા પણ જવા લાગ્યો. મને ખૂબ આનંદ અને શાંતિ અનુભવાવા લાગી. આ વિચારોની પ્રબળતાએ મને સાંસારિક આકર્ષણોથી મુક્ત કરી દીધો. મને વૈરાગ્ય ચઢવા લાગ્યો અને અંતે મેં 21 વર્ષની ઉંમરે માત્ર મોક્ષ મેળવવા માટે ગૃહત્યાગ કરી દીધો. (વાંચો: ‘મારા અનુભવો’.) ગુરુની શોધમાં ઘણું રખડ્યો ત્યારે મારા ઉપર બીજા પણ એક મહાપુરુષનો પ્રભાવ હતો. તે હતા રામકૃષ્ણ પરમહંસ દેવ. તેમનું એક વાક્ય મારા કાળજામાં કોરાઈ ગયું હતું. “કાંચન-કામિનીનો ત્યાગી હોય તે જ ગુરુ થઈ શકે, તે જ મોક્ષ અપાવી શકે.” હું રખડતો-ભટકતો, ટિચાતો, ટિપાતો છેક કલકત્તા બેલૂર મઠ પહોંચ્યો પણ બહુ સારો અનુભવ ન થયો. પાછો ફર્યો. પ્રયાગરાજના કુંભમેળામાં પહોંચ્યો. રોજ ગુરુની શોધમાં આ છેડેથી પેલા છેડા સુધી ભટક્યા કરું પણ ક્યાંય ગુરુ દેખાય નહિ. શિષ્ય થવાનાં લોભ-પ્રલોભનો-આકર્ષણો તો ઘણાં હતાં પણ સ્વામી દયાનંદજીના વિચારોથી હું બચતો રહ્યો. અંતે કાશી પહોંચીને સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું. ત્યારે મારી ઉંમર 23 વર્ષની હતી. લગભગ 11 વર્ષ સુધી કાશીમાં રહ્યો. પરંપરાથી હું શાંકર પરંપરામાં દીક્ષિત થયો હતો. કારણ કે મારે કાંચન-કામિનીના ત્યાગી ગુરુ જોઈતા હતા જે મને ફીરોજપુરમાં સ્વામી મુક્તાનંદજીના રૂપમાં મળ્યા. તેઓ શાંકર પરંપરાના સંન્યાસી હતા.